Member of Development and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Communities of Govt. of India
Mittal Patel, founder of Vicharta Samuday Samarthan Manch (VSSM)
Public Speaker, Columnist, Social Blogger, Traveller


Mittal Patel works for the nomadic and de-notified tribes of Gujarat. VSSM, a non--profit organization founded in 2006 is now spread across 90 Blocks and 20 districts of Gujarat, Smt. Mittal Patel along with her team is doing tremendous work in the field of education, health care, disaster relief, rehabilitation, environment and many more. The organisation is also working on government policies so that this extremely marginalized section of the society get their rights and benefits of the policies. These tribes were hardly seen as they were suffering problems related to identity and dignity in the society. VSSM was thus started with the vision of giving these tribes their identity and solve the challenges faced by them in day to day life.


Mittal Patel

બીજા ધોરણમાં ભણતો નાનકડો યોગેશ હોસ્ટેલના બાળકોને મલખમ કરતાં જોઈ રહ્યો હતો. તક મળતાં જ તે દોડીને લાકડાના પોલ પર ચડી ગયો. ઉંમર નાની, પણ ઉત્સાહ ગજબનો! તેણે કહ્યું, “મારે પણ આ શીખવું છે.” અને પછી તો યોગેશે પોલ પર એવા સરસ મલખમના દાવ બતાવ્યા કે સૌ જોતા જ રહી ગયા.

બાળકોનું ઘડતર ફક્ત પુસ્તકોના જ્ઞાનથી નથી થતું. તેમના સર્વાંગી વિકાસ માટે જેટલું મહત્ત્વ ભણતરનું, એટલું જ મહત્ત્વ રમત અને ગમ્મતનું પણ. ભણતર બાળકને વિચારતાં અને સમજતાં શીખવે, રમત તેને શિસ્ત, સહકાર, હાર-જીત સ્વીકારવાની ભાવના અને ટીમવર્ક શીખવે, જ્યારે ગમ્મત તેની અંદર રહેલી સર્જનાત્મકતા અને પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે.

દરેક બાળક અભ્યાસમાં એકસરખું હોશિયાર ન હોય, પરંતુ દરેક બાળકમાં કોઈ ને કોઈ વિશેષ પ્રતિભા જરૂર હોય. કોઈને રમત ગમે, કોઈને નૃત્ય, કોઈને સંગીત તો કોઈને કંઈક નવું બનાવવું ગમે. બાળકોને આવી પ્રવૃત્તિઓની તક આપીએ ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે, સંકોચ દૂર થાય અને બાળપણ આનંદથી ખીલી ઊઠે.

VSSM આ વાત બરાબર સમજે. એટલે અમારા વલ્લભ વિદ્યા વિહર પાનસરમાં ભણતા 654 બાળકોમાંથી 170 બાળકો જેઓ ધો. 6 થી લઈને ધો.8માં ભણે તેમને ભણતર સાથે આવી પ્રવૃત્તિઓની તક મળે એ હેતુથી મુંબઈમાં કાર્યરત અવર ચિલ્ડ્રન સંસ્થા સાથે મળીને ત્રણ દિવસીય વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ચાર દિવસ દરમિયાન બાળકોએ અનેક નવીન પ્રવૃત્તિઓ શીખી. જાદુના પ્રયોગો, મલખમ, જગલિંગ, વિજ્ઞાનના પ્રયોગો, પપેટ બનાવવાની અને ચલાવવાની કળા, દોરડા ઉપર ચાલવાની કળા, લાઠીદાવ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

મલખમમાં તો બાળકોનો ઉત્સાહ જોવા જેવો હતો. દીકરીઓએ દોરડા પર મલખમના દાવ શીખ્યા, જ્યારે દીકરાઓએ લાકડાના પોલ પર મલખમના અદભુત દાવ અજમાવ્યા. ખાસ વાત તો એ કે મલખમ શીખવવા માટે પદ્મશ્રીથી સન્માનિત મહાનુભાવ પણ બાળકોને તાલીમ આપવા આવ્યા.

આ ત્રણ દિવસના કેમ્પ એટલે આમ ઘણો ટૂંકા સમય પણ બાળકોએ જે કંઈ શીખ્યું તેનું નિદર્શન કર્યું ત્યારે તેમની મહેનત, આત્મવિશ્વાસ અને શીખવાની ધગશ જોઈને આનંદ થયો. બાળકો નવી કળાઓ શીખ્યાં એના કરતા વધારે તેઓ પોતાની ક્ષમતાઓને ઓળખતાં પણ થયાં.

આ સમગ્ર આયોજન માટે અવર ચિલ્ડ્રન સંસ્થાનો વિશેષ આભાર. ખાસ કરીને ધનંજયભાઈ, ગિરીશભાઈ, અને તેમની સાથે આવેલા લગભગ ૨૫ સ્વયંસેવકોએ પોતાનો અમૂલ્ય સમય બાળકો માટે ફાળવ્યો. આ તમામ સ્વયંસેવકો પોતાની પ્રવૃત્તિમાં નિપુણ અને ઉત્તમ દરજ્જાના તાલીમકારો. તેમણે તાલીમ આપી એટલું જ નહીં, પણ બાળકો સાથે સમય વિતાવી, તેમને પ્રોત્સાહિત કરી અને તેમની અંદર રહેલી ક્ષમતાઓને બહાર લાવવાનું સુંદર કામ કર્યું.

કોઈ વ્યક્તિ પોતાની આવડત, અનુભવ અને સમય બાળકો માટે ફાળવે તો તે પણ સમાજઘડતરનું એક મહત્ત્વનું યોગદાન બની શકે.

અમારી ઇચ્છા દરેક બાળકને એવું બાળપણ આપવાની, જ્યાં હાથમાં પુસ્તક હોય, મેદાનમાં રમવાની તક હોય, કંઈક નવું શીખવાનો ઉત્સાહ હોય અને મન મૂકીને હસવાની ગમ્મત પણ હોય.
વલ્લભ વિદ્યાવિહારમાં તેમજ શ્રીમતી વીરાબહેન મેઘજી ચંદેરિયા છાત્રાલયમાં મળીને 750 થી વધુ બાળકોના શિક્ષણમાં નિમિત્ત બની શક્યાનો રાજીપો.

17 hours ago | [YT] | 47

Mittal Patel

ખેડબ્રહ્માના માછીયલ ગામનાં સંતોકબા અને તેમના પતિ ગામથી દૂર ખેતરમાં એક છાપરું બાંધીને રહેતાં. જીવન ખૂબ જ મુશ્કેલીઓ વચ્ચે પસાર થતું. દાદા જાતે ઊભા પણ થઈ શકતા નહીં. બા ખાટલાની પાંગેથ પોળી કરીને તેના પર દાદાને બેસાડતાં અને ત્યાં જ તેમની નિત્યક્રિયા કરાવતાં. આવી સ્થિતિમાં ચોમાસું આવે ત્યારે તો બંનેની મુશ્કેલીઓ અનેકગણી વધી જતી.

અમે સંતોકબાને દર મહિને રાશન કીટ આપવાની વ્યવસ્થા કરી, જેથી જીવનનિર્વાહની ચિંતા થોડી ઓછી થાય. પણ બાની એક બીજી ઈચ્છા હતી. એમણે કહ્યું, “એક સરખું ઘર થઈ જાય અને ઘરની પાસે ટોયલેટ-બાથરૂમ થઈ જાય તો મને ઘણી નિરાંત થાય.”

બા અને દાદાનું જીવન જોઈને એમની આ ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું. અમેરીકામાં બેકર્સફીલ્ડમાં રહેતા અમારા નયનાબહેન શાહની મદદથી સંતોકબાનું ઘર બાંધવાનું શરૂ કર્યું. આજે ઘરનું બાંધકામ આગળ વધી રહ્યું છે અને બા ખૂબ રાજી છે.

ઘર બનતું જોઈને બાએ જે વાત કહી એ હૃદયને સ્પર્શી જાય એવી હતી.

“આખી જિંદગી વીતી ગઈ. આવું સરસ ઘર થાય એવી કલ્પના તો મેં કરી હતી, પણ મારું આવું ઘર થાય ખરું? દીકરો અને વહુ જીવતાં હતાં ત્યારે આશા હતી કે એ બંને મજૂરી કરીને એક દિવસ ઘર બનાવશે. પણ એ બંને પણ ભગવાનના ઘરે ચાલ્યાં ગયાં. પછી તો માની લીધેલું કે આખી જિંદગી આ છાપરામાં જ કાઢવી પડશે. પણ જુઓને, ભગવાને મારી વાત સાંભળી અને તમને મોકલ્યાં. આજે મારું ઘર બની રહ્યું છે! મારા દીકરાનો દીકરો નાનો છે એને ગામવાળાએ હોસ્ટેલમાં ભણવા મૂક્યો છે તો હવે એનેય મોટો થશે ત્યારે નિરાંત થશે.”

સંતોકબાની આંખોમાં દેખાતો આનંદ અને એમના શબ્દોમાં વ્યક્ત થતી લાગણી અમારા કામની સાચી સાર્થકતા.

આભાર નયનાબેન! બાના જીવનમાં આટલી મોટી ખુશી લાવવા માટે તમે નિમિત્ત બન્યાં. તમારા સહયોગથી એક વૃદ્ધ માતાને માત્ર પાકું ઘર જ નહીં, પણ ઘડપણમાં સલામતી, સ્વમાન અને નિરાંત મળશે.

આપણા સમાજમાં સંતોકબા જેવા અનેક પરિવારો આજે પણ જર્જરિત ઝૂંપડાં અને છાપરાંમાં જીવન વિતાવી રહ્યા છે. એમને પણ એક સુરક્ષિત ઘર અને ટોયલેટ-બાથરૂમની સુવિધા મળે એ માટે આપ સૌ આગળ આવો એવી ભાવના.

નયનાબેન જેવા અનેક સ્વજનો અમારા પર વિશ્વાસ રાખીને સેવાકાર્યોમાં સહભાગી બને છે, એટલે જ અનેક પરિવારોનાં જીવનમાં આવો બદલાવ લાવી શકીએ છીએ. સૌ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર.

#VSSM #MittalPatel #kheda #समाजसेवा

1 day ago | [YT] | 91

Mittal Patel

પાટણના #બાસ્પા ગામમાં રહેતાં બબીબા અને બચુદાદાની એક જ લાગણી હતી, “ઘર થાય તો સારું... આ તૂટેલા-ફૂટેલા ઘરમાં વાંકા વળીને જતાં કમર વળી જાય છે. ટોયલેટ-બાથરૂમ પણ નથી. બચુદાદાને તો સંધિવાની તકલીફને કારણે ચાલવામાં પણ મુશ્કેલી પડે. શરીર સાથ આપતું નથી, ત્યારે આટલી તકલીફ વેઠીને ક્યાં જવું?”
ઘડપણમાં એમને કોઈ મોટી સુખસગવડની અપેક્ષા નહોતી. બસ, એક એવું નાનકડું ઘર મળી જાય, જેમાં રહેવામાં સરળતા રહે, ટોયલેટ-બાથરૂમની સુવિધા હોય અને બાકીનું જીવન થોડી નિરાંતથી પસાર થાય.
દર મહિને અમે એમને રાશન કીટ આપીએ છીએ, જેથી બે ટંકના ભોજનની ચિંતા ન રહે. પણ એમની ઘર માટેની લાગણી સમજાઈ. એમની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડમાં રહેતા અમારા આદરણીય પ્રવીણભાઈ શાહની મદદથી બબીબા અને બચુદાદાનું ઘર બનાવવાનું કામ શરૂ કર્યું.
બબીબા અને બચુદાદાની એક બીજી વાત પણ અહીં કહેવી ગમે. આ બંનેને અબોલ પશુ-પંખીઓ માટે ખૂબ પ્રેમ. એમના આંગણે આવેલું કોઈ પશુ કે પંખી ભૂખ્યું પાછું ન જાય એની સતત કાળજી રાખે. પોતે ભલે અભાવમાં જીવતાં હોય, પણ કોઈ જીવ ભૂખ્યો ન રહે એની એ સંભાળ રાખે.
આવી ઉત્તમ ભાવના ધરાવતાં બા-દાદાને ઘર મળે એ માટે અમારા આદરણીય પ્રવીણભાઈ શાહ નિમિત્ત બન્યા, એ બદલ એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
કોઈના જીવનમાં સુખ લાવવા માટે હંમેશાં બહુ મોટું કામ કરવું જરૂરી નથી. ક્યારેક કોઈ વૃદ્ધને માથે છત આપી દેવી, એમની રોજિંદી મુશ્કેલી ઓછી કરી દેવી એ પણ મોટું પુણ્કાર્ય.

6 days ago | [YT] | 145

Mittal Patel

Must watch

1 week ago | [YT] | 12

Mittal Patel

“લો તમારી આગળ હું ખોટું કહેવાનું. હું તો વીસ-પચીસ દિવસે એક વાર નાહું છું. રોજ નાહવાનું મન તો થાય, પણ..."

થોડો વિરામ લઈને લીલાબાએ કહ્યું, "પણ પાણી ક્યાંથી લાવવું? ટેન્કર મંગાવવું હોય તો પૈસા જોઈએ અને ટેન્કરનું પાણી ખાલી કરવા માટે ટાંકો પણ જોઈએ. હાલ ઝૂંપડાંમાં રહુ, આ ઝૂંપડું ઠીક કરવા માટે પણ મારી પાસે પૈસા નથી હોતા. આવામાં ટાંકો ક્યાં બનાવું? ભીખ માગીને ગુજરાન ચલાવું છું, મારી સાથે મારી નાની પૌત્રી રહે. એના મા-બાપ બેય આ દુનિયા છોડી ગયા. એનું પણ માંગી ભીખીને પુરુ કરુ. એજ દિકરી દૂરથી થોડું પાણી ભરી લાવે. એ પાણીથી ઘરનું કામ ચલાવીએ. એટલે વીસ-પચીસ દિવસે એક વાર નાહવાનું થાય. મારી બાજુમાંથી પસાર થાવ તો વાસ મારતી હશે પણ હું શું કરું?”

કચ્છના માધાપરમાં રહેતાં લીલાબાની વાત સાંભળીને આપણા દેશમાં એવા પરિવારો જીવે છે, જેમના માટે રોજ નાહવું પણ એક સપના જેવું થયું. લીલાબાની ઉંમર સિત્તેર વર્ષની. એમની ઈચ્છા ક્યાંક કાયમી ઠરીઠામ થવાય ને ઘર થાય એવી.

કચ્છમાં વિચરતા સમુદાયનાં પરિવારોને પોતાની જમીન મળે, એમના ઘર બાંધી શકાય અને સન્માનભેર આ બધા જીવી શકે એ આશયથી કલેક્ટરશ્રીને મળવા જવાનું થયું. એ મુલાકાત પછી માધાપરમાં રહેતા અમારા પરિવારોની વસાહતમાં જવાનું થયું.

ત્યાં પહોંચીને ખબર પડી કે આ પરિવારોની સૌથી મોટી મુશ્કેલી માત્ર ઘર કે જમીન પૂરતી સીમિત નથી. પાણીની અછત એમના રોજિંદા જીવનને કેટલી હદે અસર કરે છે, એ સમજતાં જ મન વ્યથિત થઈ ગયું.

ઔદ્યોગિક વિસ્તારની વચ્ચે આવેલી આ વસાહતમાં પરિવારો છાપરાં બાંધીને રહે છે. ભંગાર વીણવાનું કામ કરીને જીવનનિર્વાહ કરતા આ પરિવારોની મહિલાઓ પણ ખભા પર કોથળો ઊંચકીને આખો દિવસ કચરો અને ભંગાર વીણવા નીકળી પડે. દિવસભર ગંદકી વચ્ચે કામ કર્યા પછી ઘરે પાછા ફરે, ત્યારે સ્વચ્છ થવા માટે પૂરતું પાણી પણ મળતું નથી.

મહિલાઓએ પોતાની મુશ્કેલી વર્ણવતાં કહ્યું કે, "ખભા પર ભંગારનો ભાર ઊંચકીને ખભા અને કમર રહી(દુખાવો થઈ) જાય છે.'

આ બધાની વાત સાંભળી વસાહતમાં રહેતી ને માસિક ધર્મમાંથી પસાર થતી બહેનો, દીકરીઓનો વિચાર આવ્યો. એ વખતે એમની સ્થિતિ કેવી થતી હશે? સ્વચ્છ પાણી, નાહવા-ધોવાની સુવિધા અને ગોપનીયતાના અભાવમાં એ દિવસો કેવી રીતે પસાર કરતી હશે?

ખેર આ બધી વાતચીત દરમિયાન હવે સરકાર તરફથી ઝડપથી પ્લોટ મળશે અને ઘર બાંધવાની તક ઊભી થશે ત્યારે થોડીઘણી બચત હશે તો ઈચ્છા મુજબનું ઘર બનશેનું કહ્યું.

મારી વાત સાંભળી બહેનોએ જે જવાબ આપ્યો એ પણ એટલો જ વાસ્તવિક હતો. તેમણે કહ્યું, “બહેન, દિવસભર ભંગાર વીણીએ છીએ. જે કમાઈએ એમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડે. આવામાં બચત ક્યાંથી કરીએ?”

તેમની વાત સાંભળીને સમજાયું કે માત્ર પ્લોટ આપી દેવાથી કે ઘર બાંધવાની તક ઊભી કરવાથી દરેક મુશ્કેલીનો ઉકેલ આવતો નથી. પરિવારની આવક વધે, રોજગાર વધુ સરળ બને અને બચત કરવાની ક્ષમતા ઊભી થાય, એ પણ એટલું જ જરૂરી.

એમની સાથેની વાતમાં અમે એમને પૂછ્યું, “તમને પેડલ રિક્ષા મળે તો?” મહિલાઓના ચહેરા પર આશાનું સ્મિત આવી ગયું.

“બહેન, અમને પેડલ રિક્ષા મળી જાય તો અમે વધુ ભંગાર ભેગો કરી શકીએ. વધારે સામાન લઈ જઈ શકીએ. કમાણી વધે, તો થોડી બચત પણ કરી શકીએ. અમારા બાળકો અને પરિવારનું ભવિષ્ય સુધારી શકીએ.”

એક નાનકડા સાધનથી એમની આખી જીવનવ્યવસ્થામાં કેટલો મોટો ફેરફાર આવી શકે, એ વાત એ ક્ષણે સમજાઈ.

આ વસાહતમાં આશરે ત્રીસ મહિલાઓ ભંગાર વીણવાનું કામ કરે. એમને પેડલ રિક્ષા મળી રહે તો એમની મહેનતની ક્ષમતા વધે, આવક પણ વધે.

એક પેડલ રિક્ષાની કિંમત આશરે પંદર હજાર રૂપિયા થાય. આટલી રકમ કોઈ પરિવાર માટે રોજગારનું સાધન બની શકે. પરિવારને પોતાની મહેનતથી કમાવાની, બચત કરવાની અને ધીમે ધીમે આત્મનિર્ભર બનવાની તક મળે.

કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે, આ પરિવારોને વહેલી તકે પ્લોટ મળે, એમનાં પોતાનાં ઘર બને અને વસાહતમાં પાણીની યોગ્ય વ્યવસ્થા ઊભી થાય. પાણીની સુવિધા મળે તો મહિલાઓ અને કિશોરીઓને રોજ નાહવા-ધોવાની, સ્વચ્છતા જાળવવાની અને વધુ સન્માનભેર જીવન જીવવાની તક મળે.

આશા છે કે કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા તથા સહકારથી આ પરિવારોના પ્રશ્નોના ઉકેલની દિશામાં ઝડપથી પગલાં લેવાશે.

સાથે જ, આશરે ત્રીસ મહિલાઓને પેડલ રિક્ષા મળે એ માટે પણ આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. તમારી નાની મદદ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે. મદદ માટે નીચેની વિગતે ડોનેશન આપવા વિનંતી.

2 weeks ago | [YT] | 211

Mittal Patel

ધોમધખતો તાપ. નજર પહોંચે ત્યાં સુધી ક્યાંય છાંયો નહીં. આવામાં ખાટલાની આડાશ કરીને એક બહેન

રસોઈ કરી રહ્યા હતા. આકરા તાપથી બચવા છાપરાં તો કર્યાં છે અને એની અંદર ચૂલો પણ કર્યો છે. પણ એમાં રાંધે તો આખુ છાપરુ કાળુંમેંશ થઈ જાય. એટલે આશાબહેને ખાટલો ઊભો કરી દીધો, અને તેની નીચે ચૂલા પર રસોઈ શરૂ કરી.

મેં એમને " આ બધું બહુ મુશ્કેલ નથી લાગતું?"નું પૂછ્યું.

તેમણે સહજ ભાવે કહ્યું, "બેન, બહુ ભારે પડે. એકલો આકરો તાપ હોય તો વાંધો નહીં, પણ જ્યારે ધૂળની ડમરી ઊડે ત્યારે ઘૂળ ખાવામાં ભળી જાય. ઘણીવાર બાંધેલો લોટ ફેંકી દેવો પડે, અને રાંધેલા શાકમાં માટી પડે તો આખું શાક ફેંકવું પડે."

ખુલ્લામાં જીવતા પરિવારોની પીડા આ એક વાક્યમાં સમજાઈ જાય.

ભાવનગર જિલ્લાના સિદસરગામના પાદરે સરાણીયા પરિવારોનો પડાવ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે કેટલાંક બાળકો ઈંટોમાંથી નાનાં નાનાં ઘર બનાવીને રમતાં હતાં. મેં પૂછ્યું, "આ શું બનાવ્યું?" તો કહે, “ઘર!”

ઘર ઘરની રમત રમતાં આ બાળકો પાસે પોતાનું કોઈ ઘર નથી.

સરાણીયા પરિવારો સદીઓથી ગાડું લઈને વિચરણ કરતા રહ્યા. પાછલાં કેટલાંક વર્ષોથી તેઓ સિદસરમાં સરકારી જમીન પર સ્થાયી થયા. ઝૂપડું વાળીને તેમાં જ ગાડું મૂકી દીધું. આજુબાજુનાં ખેતરોમાં સ્ત્રીઓ મજૂરી કરે અને પુરુષો છરી-ચપ્પુની ધાર કાઢવાના કામ માટે આસપાસનાં ગામોમાં ફરે.

તેમની પાસે પોતાની ઓળખના પુરાવા પણ ખાસ નહોતા. VSSMના પ્રયત્નોથી આ પરિવારોને ઓળખના આધારો મળ્યા. હવે તેમને રહેણાક માટે કાયમી જમીન મળે, જ્યાંથી કોઈ ખાલી ન કરાવે અને જ્યાં પાકું ઘર બની શકે, એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છીએ.

આ વસાહતમાં એક વડીલ બા મળ્યાં. તેમના ઝૂપડામાં એક માટીની હાંડલી પડી હતી. બાએ હેતથી કહ્યું, "અમે આમાં જ રાંધીએ. તમે ફરી આવો ત્યારે આમાં શાક બનાવીને ખવડાવીશ."

મેં પૂછ્યું, "બા, અત્યાર સુધી ઘર કેમ ન કર્યું?"

બાએ કહ્યું, “તમારા દાદા નાના વસ્તારને મારા હૈણ મુકીને વયા ગ્યા. મજૂરી કરીને છોકરાં મોટા કર્યા. આમાં બચત ક્યાંથી થાય તે ઘર કરુ?” પડાવમાં ત્રણેક બહેનો પણ નાની ઉંમરે વિધવા થયેલી. એ પણ રોજ મજૂરી કરીને પોતાનું ને બાળકોનું ગુજરાન ચલાવે. આમાં બે-પાંચ રૂપિયા બચાવીને ઘર કરવું અશક્ય.

મુખ્યમંત્રીશ્રીને આવી સ્થિતિમાં રહેતા ઘરવિહોણા પરિવારોને પોતાની જમીન મળે તે માટે રજૂઆત કરી તેમની તેમજ ભાવનગરના સંવેદનશીલ કલેક્ટરશ્રીની મદદથી આ પરિવારોને રહેણાક માટે જમીન ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જમીન મળશે એટલે પાકાં ઘર બનશે, અને પરિવારો કહે છે, "અમારા જીવને સાતા થશે."

આવા પરિવારોની માહિતી એકત્ર કરીને તેમને તેમના અધિકારો અપાવવામાં VSSM નિમિત્ત બની શક્યું, તેનો અમને ખૂબ આનંદ. આ બધા પરિવારો પોતાની જમીન અને પોતાના ઘરવાળા થાય તેવી આશા..

3 weeks ago | [YT] | 264

Mittal Patel

કેવી સ્થિતિમાં જીવે છતાં માનવતા નથી ભૂલ્યા... વધુ વાત વિડીયોમાં..
#VSSM #MittalPatel

3 weeks ago | [YT] | 17

Mittal Patel

સાબરકાંઠામાં વરસાદની ઘટ નથી, તો પછી આ ખેતરો કેમ તરસ્યાં?
સાબરકાંઠા ખેડબ્રહ્મા અને પોશિના તાલુકાના આદિવાસી ગામોમાં પાણીની કટોકટી, બળતો પાક અને દિવાળી પહેલાં જ શરૂ થયેલું સ્થળાંતર જોઈને તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા વિચારવું જોઈએ.
‘બેન, તમે ખેડબ્રહ્મા અને પોશીનાના આદિવાસી વિસ્તારોના ગામોમાં ગયાં. આ ગોમોમાં ક્યાંય નદી, નાળાં કે તળાવમાં પાણી જોયું? આ કયો મહિનો ચાલે? હજી તો ઑક્ટોબર પણ પૂરો થયો નથી ને અમારે અત્યારથી પાણીની મુશ્કેલી શરૃ થઈ ગઈ.’ બહેડિયા ગામના પોપટભાઈના આ શબ્દોમાં માત્ર ફરિયાદ નહોતી, પણ આખા વિસ્તારની કરુણ વ્યથા છલકાતી હતી.
તાજેતરમાં સરકારે કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, પણ સાબરકાંઠાને આ યાદીમાં સ્થાન ન મળ્યું. સમગ્ર જિલ્લાના સરેરાશ વરસાદી આંકડા કદાચ યોગ્ય લાગતા હોય, પણ અંતરિયાળ આદિવાસી ગામોની વાસ્તવિક સ્થિતિ સાવ ભિન્ન અને દયનીય છે.
હું તાજેતરમાં ખેડવા, બહેડિયા, ધ્રોઈ સહિત આ વિસ્તારનાં આઠ ગામોમાં ફરી, ખેતરો અને તળાવો જોયાં. દરેક ગામમાં લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે 'તમારે શું જોઈએ છે?', ત્યારે બધાનો એક જ પોકાર હતો.. "અમને બસ પાણી આપો."
વરસાદની શરૂઆતમાં આશા સાથે વાવેલો પાક પાછળથી યોગ્ય વરસાદ ન થતાં સુકાઈ ગયો છે. એક ખેડૂતે મકાઈના નાના ડોડા બતાવતાં આંસુભરી આંખે પૂછ્યું કે, "આટલી મકાઈમાંથી અમારું આખું વર્ષ કેમ નીકળશે?" આ પરિવાર માટે તો એકાદ મહિનાનું અનાજ અને બિયારણ મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે.
આ વિસ્તારમાં શિયાળુ પાકની આશા તો હવે રાખી જ શકાય તેમ નથી, કારણ કે કૂવા અને તળાવો સાવ ખાલીખમ પડ્યાં છે. જમીન ઓછી હોવાથી ચોમાસુ અને શિયાળુ પાક નિષ્ફળ જતાં, આદિવાસી પરિવારોનું આર્થિક સંતુલન સાવ ખોરવાઈ ગયું છે.
સામાન્ય રીતે જાન્યુઆરી કે ફેબ્રુઆરીથી શરૂ થતું સ્થળાંતર આ વખતે પાક નિષ્ફળ જવાથી દિવાળી પહેલાં જ શરૂ થઈ ગયું છે. ઘણા પરિવારો ઘરનો સામાન બાંધીને નીકળી ગયા છે, તો કેટલાંક વહેલી સવારે છ વાગ્યે મજૂરી માટે નીકળી રાત્રે દસ વાગ્યે ઘરે માત્ર ઊંઘવા પૂરતા પાછા ફરે છે.
હું આઠ ગામોમાં ફરી, પણ કોઈએ ગાડી, બંગલો કે મોટી સુવિધાઓ નથી માગી, માત્ર પાણી માગ્યું છે. ગામોમાં તળાવો છે, પણ તે ઊંડાં ન હોવાથી વરસાદનું પાણી વહી જાય છે. જો તળાવો યોગ્ય રીતે ઊંડાં કરવામાં આવે, તો દુષ્કાળના વર્ષમાં પણ લોકો નભી શકે.
ખેડવા ગામની જમીન પર જ ડેમ બાંધવામાં આવ્યો છે, જેનું પાણી દૂર-દૂરના મેદાની વિસ્તારો સુધી પહોંચે છે. પરંતુ જે ગામની જમીન પર ડેમ બન્યો, તે જ ખેડવા ગામની શાળામાં બાળકોને પીવાનું પાણી પણ મળતું નથી! આ વિચિત્રતા અને અન્યાય જોઈને ગામના એક કાકા રડી પડ્યા.
અનેક શાળાઓમાં પીવાના પાણીની કોઈ સુવિધા નથી. એક શાળાના આચાર્ય પોતાની ગાડીમાં બહારથી બાળકો માટે પાણી ભરી લાવે છે. આ શિક્ષકની સંવેદનાને સલામ છે, પરંતુ બાળકોના પીવાના પાણીની પ્રાથમિક જવાબદારી એક શિક્ષકના ખિસ્સા પર છોડવાને બદલે સરકારે પોતે ઉપાડવી જોઈએ.
રાજસ્થાનની જેમ આપણા આદિવાસી વિસ્તારોની શાળાઓમાં પણ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકાઓ બનાવવાનું ફરજિયાત આયોજન કરવું જોઈએ. જો દરેક શાળામાં વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા થાય, તો બાળકોને તરસ્યા રહેવું ન પડે.
સરકારે જિલ્લાના સરેરાશ વરસાદી આંકડા પર નિર્ભર રહેવાને બદલે દરેક ગામનો તાત્કાલિક 'ફિઝિબિલિટી સર્વે' કરાવવો જોઈએ. તળાવોની સ્થિતિ, કૂવાના જળસ્તર, પાકની નિષ્ફળતા અને સ્થળાંતરનું મૂલ્યાંકન કરીને ખરેખર પીડાતા ગામોને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ.
ગામના સરપંચોએ પોતાના વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી છે, પરંતુ હજુ સુધી શાસકો કે તંત્રનું ધ્યાન આ તરફ ગયું નથી. પીડિત ખેડૂતોને તાત્કાલિક સહાય, પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.
આદિવાસી પરિવારો પણ આ દેશના સન્માનનીય નાગરિકો છે અને તેમને પણ પાણી, શિક્ષણ તથા રોજગારીનો સરખો જ અધિકાર છે. સરકાર પ્રત્યે આશા રાખીને બેઠેલા આ ગરીબ લોકોની વેદના તંત્ર વહેલી તકે સાંભળે અને તાત્કાલિક રાહત પગલાં ભરે તે સમયની માગ છે.

3 weeks ago | [YT] | 175

Mittal Patel

Must watch

4 weeks ago | [YT] | 3

Mittal Patel

“મને આંખે દેખાતું નથી, પણ તમે મને નોટો આપો તો હું સ્પર્શ કરીને ઓળખી શકું કે આ સો રૂપિયાની નોટ છે, પચાસ રૂપિયાની છે કે પાંચસોની!”

કરમસી કાકાની આ વાત સાંભળીને કુદરત એક બારી બંધ કરે તો બીજી બારી ખોલી આપેનું થયું. આંખોની રોશની નથી છતાં કરમસી કાકામાં સ્વમાનથી જીવવાની અને પોતાની મહેનતથી કમાવાની ભાવના અકબંધ.

કરમસી કાકા પાટણ જિલ્લાના જસવંતપુરા ગામમાં રહે. એમના પત્ની પાલુબા ગામમાં ક્યાંય જમણવાર હોય તો ત્યાં વાસણ ઘસવાનું કામ કરવા જાય. એમાંથી જે કંઈ આવક થાય એમાં ઘરનું ગુજરાન ચલાવે.

પતિ-પત્નીને પોતાનાં સંતાનમાં દીકરો કે દીકરી કોઈ નથી. થોડા સમય પહેલાં એમણે પોતાના ભાઈના દીકરાને દત્તક લીધો. હવે એ દીકરો થોડો મોટો થયો, તો કરમસી કાકાને થયું કે પત્ની એકલી કેટલું કામ કરશે? મારે પણ કંઈક કરવું જોઈએ. પાલુંબાને વાસણ ઘસવા જવું પડે અને પોતે ઘરમાં બેસી રહે એ એમને ગમતું નહોતું.

આંખે દેખાતું ન હોવા છતાં કરમસી કાકાએ કટલરીનો થોડો સામાન લઈને આજુબાજુનાં ગામોમાં વેચવાનું શરૂ કર્યું. દત્તક લીધેલો દીકરો પણ હવે તેમની સાથે જવા લાગ્યો. પણ ધંધો આગળ વધારવો હોય તો પૂરતો સામાન જોઈએ ને! મર્યાદિત મૂડીને કારણે વધુ સામાન ખરીદી શકાતો નહોતો. મનમાં ઈચ્છા તો હતી કે વધુ ગામોમાં ફરીને વધુ વેપાર કરું, પણ એ માટે પૈસાની જરૂર હતી.

કરમસી કાકાની આ સ્થિતિ વિશે અમને ખબર પડી. અમેરિકામાં રહેતા અમારા મીહીરભાઈ પરીખની મદદથી કરમસી કાકા માટે કટલરીનો સામાન ખરીદ્યો ને એમને આપ્યો. સામાન મળતાં કરમસી કાકાના જીવનમાં જાણે નવી શરૂઆત થઈ.

એમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું, “મને કોઈ પાસે હાથ લાંબો કરવો ગમતો નથી. ઈશ્વરે આંખોની રોશની આપી નથી, એ મારી મજબૂરી પણ મારી પાસે કામ કરવાની ઈચ્છા અને હિંમત છે! મને સામાન મળી ગયો, એટલે હવે હું મારા દીકરા સાથે વધુ ગામોમાં જઈશ. વધુ વેપાર કરી શકીશ. અમારું ઘર સારી રીતે ચલાવી શકીશ. ”

આપણે ઘણી વાર વિચારીએ કે પંદર-વીસ હજાર રૂપિયાથી કોઈના જીવનમાં કેટલો મોટો ફેરફાર આવી શકે? પણ જ્યારે ગામડાંમાં રહેતા ભારતને નજીકથી જોઈએ, ત્યારે સમજાય કે આટલી રકમ કોઈના માટે રોજગારની શરૂઆત બની શકે અને આખા પરિવારની આવક અને જીવનની દિશા બદલી શકે.

મીહીરભાઈ આપનો હૃદયપૂર્વક આભાર. તમારી મદદથી કરમસી કાકાના જીવનમાં નવી આશા પ્રગટી.

ચાલો, આપણે સૌ સાથે મળીને મદદ નહીં, પણ કોઈને સ્વાવલંબનની તક આપીએ. કોઈને રોજગારનું સાધન આપીએ, તમારી નાની મદદ કોઈના જીવનની નવી શરૂઆત બની શકે.

4 weeks ago | [YT] | 166